આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 22 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.)
લેખક :સબાહત જહાન
ઉંમર : 24
દેશ : ભારત
હું કાફૅમાં બેસીને વિચારી રહી છું કે જે રીતે મારી માંએ ધર્મના નામે મારી સાથે કર્યું તેમ, શું હું ક્યારેય મારી દિકરીને જેનિટલ અંગછેદન જેવી પીડાદાયક પ્રક્રિયા હેઠળથી પસાર થવા દઈ શકું?
હું 24 વર્ષની, જર્નાલિઝમનો અભ્યાસ કરતી એક એવા મુસ્લિમ સમાજની છોકરી છું, જે આજના યુગમાં પણ ફીમેલ જેનિટલ મ્યૂટિલેશનની પ્રથાને અંધશ્રદ્ધાપૂર્વક અપનાવે છે. અત્યાર સુધી હું માનતી હતી કે એફ.જી.એમ. મારા સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે અને પેશાબ સંબંધી મારી બધી સમસ્યાઓને તેની સાથે કોઈ સંબંધ નથી. મને સમજાયું નહિં કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારા ક્લિટોરિસને કાપવામાં આવ્યું હતુ અને હકીકતમાં તે એક મોટી સમસ્યા હતી.
તે પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અથવા તે મારા માટે પીડાદાયક હતી કે નહિં તે પણ મને યાદ નથી. મેં ક્યારેય એ બાબત પર વિચાર કર્યો નહિં કારણ કે મને મારી માં પર વિશ્વાસ હતો અને મારી માંએ મને કહ્યું હતુ કે આ પ્રક્રિયા મારી સારી સેહત માટે કરવામાં આવે છે. હું તેણીને નહિં પરંતુ, આપણી ધાર્મિક પ્રથાને દોષ આપું છું. ઘણાં મુસ્લિમ સમાજો આ પ્રથાને અપનાવતા નથી પરંતુ મારો સમાજ તેને અપનાવે છે.
જ્યારે મેં લેખક અયાન હિરસી અલી નું પુસ્તક વાંચ્યું ત્યારે પહેલી વાર મને એફ.જી.એમ. વિષે જાણવા મળ્યું. ત્યારબાદ, મેં હિંદુસ્તાન ટાઈમ્સમાં સહિયો વિષે વાંચ્યું. મને આઘાત લાગ્યો અને મેં મારી માંને ફોન કર્યો. શાંતિપૂર્વક મેં તેણીને પૂછ્યું “માં, તે મારી સાથે એમ શા માટે કર્યું?” તેણીએ કહ્યું “કારણ કે, બેટા એ તારી જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખશે, તું કોઈની સાથે સેક્સ કરીશ નહિં અને તારૂં કૌમારત્વ(વર્જિનિટી) જળવાઈ રહેશે.” મને વિચાર આવ્યો કે આ કૌમારત્વ માટે આટલું બધુ, શું આ માટે મારે સમય-સમય પર પેશાબ સંબંધી સમસ્યાઓ સહન કરવી પડી?
કોઈની સાથે સેક્સ કરું કે નહિં એ મારી સમસ્યા છે, મારી સંમતિ નો પ્રશ્ન છે. તે મારૂં મન નક્કી કરશે, મારૂં ક્લિટોરિસ નહિં. મારી પાસે માંને કહેવા માટે કોઈ શબ્દો નહોતા, મેં ફક્ત “ઓકે” કહીને ફોન મુકી દીધો. મને તેણી પર ગુસ્સો નથી આવતો, તેણીએ ફક્ત એ કર્યું જે તેણીની સંસ્કૃતીએ અને ધર્મે તેણીને શીખવ્યું છે. હાં, જ્યારે હું સેક્સ કરું છું ત્યારે મને તકલીફ થાય છે. તે ખૂબ જ પીડાદાયક રહે છે અને સમસ્યા પેદા કરે છે. આ પ્રથા મારી જાતિય ઈચ્છાઓને રોકી શકી નહિં પરંતુ મારા માટે સેક્સ કરવું જરૂર મૂશ્કેલ બનાવી દીધું.
હું એક શિક્ષિત વ્યક્તિ છું અને એફ.જી.એમ.નો વિરોધ કરું છું. આ પ્રથા ખોટી છે, તેવું લોકોને સમજાવવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. તેનો વિરોધ કરવા અને તે વિષે વાતચીત કરવા માટે હું સહિયોની આભારી છું. મને ખુશી છે કે તે વિષે વાતચીત કરવાના ટેબૂને દૂર કરવામાં આવ્યું અને એફ.જી.એમ.ના એક શિકાર (વિક્ટિમ) રૂપે હું મારો અનુભવ શેર કરી શકું છું.
(આ પોસ્ટની એક આવૃત્તિને 23 ફેબ્રુઆરી 2017ના રોજ સૌ પ્રથમ Wanderlustbeau બ્લોગમાં પ્રદર્શિક કરવામાં આવી હતી.)