ખતના ના ખૂનથી લથબથ હાથ અને એ દીકરીઓની ચીસો ક્યારે પોહચશે આ સમાજ સુધી?

લેખક: અનામિકા

ગુજરાત

(લેખિકા ગુજરાતના એક સુસંસ્કૃત ગ્રામ્ય માહોલામાં જન્મ લઈને ગુજરાતના એક મોટા શહેરમાં દાઉદી વહોરા સમાજમાં પ્રવર્તી કુપ્રથાઓ અને કુરિવાજો સામે બંડ પોકારે છે. સ્ત્રી સમુદાયમાં પોતાનો આવાજ શબ્દો ચોર્યા વગર વ્યક્ત કરવાની હિમત અને ક્ષમ્તા ધરાવે છે.)

દાઉદી વ્હોરા સમાજની માફક આફ્રિકાના અમુક દેશમાં નાની ઉમરની છોકરીઓની સુન્નત થાય છે. પરંતુ છેલ્લા 20 વર્ષોમાં આફ્રિકન દેશોમાં આ વિષે હવે જોરસોરથી આવાજ ઉઠવાય છે. તો ભારતમાં સૌથી સમૃદ્ધ અને શિક્ષિત ગણાતા વ્હોરા સમાજમાં હજુ આ વિષે સ્ત્રીઓ કેમ બોલતી નથી? આ માટે એક સુન્નત/ખતના પીડિત ગુજરાતની શિક્ષિત વહોરા મહિલા તરીકે મેં મારો અવાજ બુલંદ કરવાનું નક્કી કર્યું છે.

હું મારા પુરુષ પ્રધાન સમાજ અને ખાસ કરીને મારા ધર્મગુરુ વર્ગને પૂછવા માંગુ છું કે, શું વહોરા દીકરી પર સાત વર્ષની ઉંમરે થતો આ એક પ્રકારનો પુરુષ પ્રધાન બળાત્કાર નથી? કુદરતે જે શારીરિક રચના, જેને માટે નિર્ધારિત કરી છે, તેનો યથાતથ (જેમનો તેમ) ઉપયોગ શુ તે માટે જ ના થવો જોઈએ? હવે તો મને પણ સવાલ થાય છે કે કુદરતે એ અંગજ શુ કામ બનાવ્યું હતું?

ક્યારેય વિચાર્યું છે, અનુભવ્યું છે, એ દીકરીઓ પર નાની ઉમરે શારીરિક અને માનસીક કેવા આઘાત જીરવતી હશે? એ ડર કે શરમના લીધે ભલે બોલે નહિ, પણ આખી જિંદગી તેની તેને પીડા થતી હોય છે. મને તો એવો પ્રશ્ન પણ થાય છે કે શું વ્હોરા સમાજના પુરષોમાં પોતાની પત્નીને શારીરિક સુખ આપવાની શક્તિ કે ક્ષમ્તા નથી? મને તો એવું લાગે છે કે પુરુષના સુખ માટે અને ધર્મગુરુના આદેશ ને વશ થઈને ડરના લીધે માતાઓ દીકરીઓ સાથે આ અત્યાચાર થવા દે છે. જેથી પુરુષ તેની દુર્બળતા છુપાવી શકે. જો આ શબ્દોથી પુરુષ જાતને માનસિક ઠેસ પોહચતી હોય, તો તેણે એટલું તો જરૂર વિચારવું જોઈએ કે એક સ્ત્રી ઉપર તે પોતાનું પ્રભુત્વ સ્થાપવા મઝહબના નામે અને પોતાના આનંદ માટે અત્યાચાર કરે છે.

દાઉદી વ્હોરા સમાજમાં સ્ત્રી ખતના/સુન્નત વિષે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, યુનાઈટેડ નેશન્સનું ભારત સરકાર પર દબાણ છે, કેટલીક ક્રાંતિકારી યુવા મહિલાઓએ ધર્મગુરુ દ્વારા પ્રોત્સાહિત કરાતી આ બિનઆવશ્યક નઠારી પ્રથાનો વિરોધ કરવા ઝંડો ઉપાડ્યો છે. આ કુપ્રથા પર પ્રતિબંધ મુકવા સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી ચાહતી એક અરજી, સુનાવણી માટે પેન્ડીંગ પડી છે.

મારે તો કહેવું છે કે સમાજની તમામ સ્ત્રીઓ એ આવાજ ઉઠાવો જ જોઈએ. ક્યાં સુધી વેહમો અને અંધશ્રદ્ધાના નામ પર આવી કુપ્રથાના ગુલામ બની રેહશો? તમારી સાથે જે અત્યાચાર થયો તે હવે પછીની સમાજની કોઈ પણ દીકરી સાથે ના થવો જોઈએ. ઘરના બુજુર્ગ, ખાસ કરીને મહિલાઓ, ના માને તો માતા-પિતાએ તો પોતાની દીકરી માટે સજાગ થવુ જ જોઈએ.

મારી દીકરીને આ કુપ્રથામાથી બચાવી લેવા મારા કુટુંબ સાથે મેં જબ્બર સંઘર્ષ કર્યો અને હું હારી ગઈ. હું આ લખી રહી છું ત્યારે પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. મારી નજર સામેથી મેં મારી સાવ અણસમજ દીકરી સાથે આચરેલી દુષ્ટતા માટે મને ખુબ પસ્તાવો પણ થઇ રહ્યો છે. મારી દીકરીની અને મારી ખુદની ચીસો મારા કાનમાં હજુ પણ ગુંજે છે, ક્યારેક રાતે ઉઠીને પસ્તાવો કરું છું. મે મારા પતિને ખૂબ સમજાવ્યા પણ તે ગુલામ માનસિકતા ધરાવતા અને ડરપોક નીકળ્યા, હું હારી ગઈ મારી દીકરીની સામે. આજે જ્યારે પાછુવાળીને ભૂતકાળને યાદ કરું છું, મારા ભાગ્યને દોષ આપું છું, મારી જાતને પૂછું છું, હું દીકરીને લઇ ભાગી કેમ નો ગઇ? જો આમ કર્યું હોત તો આજે આ મનસ્થિતિનો માનસિક શિકાર ન બની હોત. હું નથી ખુદને માફ કરી શકતી, ના મારા પતિ કે પરિવાર ને.

પરિપક્વ થયેલી મારી દીકરી આજે મને પૂછે છે “માં મારી સાથે તે આવું શુકામ થવા દીધું?” આજે પણ હું મારી જાતને ગુનેગાર ગણી મૂંગી થઇ જાઉં છું. હું પણ મારી મને પૂછતી હોઉં છું કે કેવી પીડા અને દર્દ મેં સહન કર્યું હતું એ વખતે. કેટલું લોહી જીવતા અંગના છેદનથી વહી જાય છે, કેવી જહ્ન્નમી પીડા થાય છે, તે ક્યારેય આ ધર્મગુરૂઓ કે પુરુષો શું સમજી શકે છે? નહિ સમજે માં નહિ સમજે એ લોકો. સ્ત્રીઓ તો મૂરખાની જેમ ગુલામ બની જીવમાં પોતે બહુ ધાર્મિક છે તે દેખાડવામાં બધું ચુપચાપ સહન જ કરે રાખે છે. અને પાછી તે વાતનો ગર્વ લેતા પણ શરમાતી નથી. આ વાત એક દીકરીને સમજાય છે. શું કહવતા પ્રગતિશીલ ગણાતી વોહરા કોમને આ વાત સમજાય છે?

મારો આત્મા મને દરરોજ ઢંઢોળે છે, હચમચાવે છે. ક્યાં સુધી અંધશ્રદ્ધા અને વેહમના નામે કેટલીએ માસૂમ દીકરીઓનો આ સમાજ ભોગ લેશે? મારા સમાજને હું પૂછું છું. ખાસ કરીને સમાજના પુરુષોને કે ક્યારેય વિચાર્યું, આ ગંદી માનસિકતા અને ગંદો રીવાજ ક્યાંથી કેમ આવ્યો? ક્યારેય મૂળ સુધી પોહચવાનો પ્રયત્ન કર્યો?

મને સુપર મોડેલ વારીસ ડીરીનું પુસ્તક “ડેજર્ટ ફ્લાવર” યાદ આવી રહ્યું છે. તેણે લખેલો આફ્રિકન ઇતિહાસ જોશો તો, તમારા રુવાડા ખાડા થઇ જશે. આફ્રિકન સ્ત્રી બાળકો પર કેવી બર્બરતા આચરવામાં આવી રહી છે. તેનું તાદ્સ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ પુસ્તકે આફ્રિકન સમાજમાં ક્રાંતિ આણી છે. આફ્રિકન સમાજ હવે આ કુપ્રથામાંથી બહાર નીકળવા લાગ્યો છે. યુનાઈટેડ નેશન્સને તેની નોંધ લેવાની ફરજ પડી છે.

હું હવે જે વાત કહેવા જઈ રહી છું, તેના પુરાવા મળી જશે. ભારત પર વરમાર બહારથી મુસ્લિમો ચઢાઈ કરતા તે આપણે બધા જાણીએ છીએ. તે દરમિયાન તે વચ્ચે આવતા ગામો અને સ્ત્રીઓને લુંટતા. આ વાત જગ જાહેર છે. પુરુષને તેનું પુરુષતત્વ, સ્ત્રી પર અત્યાચાર કરી ને જ તો દેખાડવું હોય છે. સદીઓથી એમજ થતું આવે છે. વારંવારની ચઢાઈ પછી ત્યાં લૂટવા જેવુ કાઇ નથી તેની સાબિતી રૂપે સ્ત્રી નું નાક અને જનાનાંગ વિધતો, આ સચ્ચઈ છે. એટ્લે તો આપણા સમાજમાં દીકરીની સુન્નત/ખતના પછી સ્ત્રીઓ, નાક વીંધ્વ્યુ તેમ બોલતી. આ તમને યાદ હશે જ? અને પછી જ નાક વિન્ધવામાં આવતું. ત્યારની અવદશા અને માનસિક પીડા દીકરીઓને કદી ભુલાતી નથી . આજની યુવા પેઢીને આની જાણ નહીં હોય. કેમ કે તે સંપૂર્ણ ગુલામી સાથે મોટી થઈ છે.

આપણી સ્ત્રીઓ ખત્નાની માફક નાની બાળકીનું નાક પણ વીંધતી. કેમ હવે નાક વીંધવાનું બંધ થયું? બસ ઉપરથી ધર્મગુરુનો આદેશ થયો એટલે માની લેવાનું? કેમ વિચાર ના આવ્યો? આપણાં સમાજમાં ચૂક પેહરવાની પ્રથા બંધ કરવામાં આવી, ધર્મગુરુના આદેશ આવ્યા પેહલાથી જ મે ચૂક/નથ પેહરવાનું બંધ કરેલુ. પુસ્તકોનાં વાંચન દ્વારા તે સચ્ચઈની મને ખબર પડી હતી. તેને સુહગની નિશાની ગણાતી. સાવ અચાનક તે નાકનું ઘરેણું પેહરવાની મનાઈ થઈ ગઈ. આ વાતને આપણે સ્ત્રી સુન્નત/ખતના સાથે ચૂક પેહરવાનુ બંધ થય શકતું હોય તો આ ભયાનક ખતના પ્રથા બંધ થવી જ જોઈએ. એ જોડીને જોવાનું કેમ નથી વિચારતા?

આને હું માસૂમ બાળકીઓ ઉપર કાયદેસરનો બળાત્કાર/રેપ જ ગણું છું. મને દાઉદી વહોરા સમાજના પુરુષો પ્રત્યે ધૃણા/નફરતની લાગણી પેદા થાય છે. કેટલીક બાબતોમાં આજે પણ કુરિવાજો સહન કરીને મારી નજરમાંથી હું પોતે નીચી ઉતરી ગયાનો અનુભવ કરું છું. હવે અવાજ નહિ ઉઠાવવામાં આવે તો વધુ ભયાનકતા સહન કરવા માટે ત્યાર રેહજો. ડરવાનું બંધ કરો. સચ્ચાઈ માટે એક થાવ, નહિતર આવનાર પેઢી ખાસ કરીને સમાજની મહિલાઓ તમને માફ નહિ કરે.

તમારી બેન, દીકરી, પત્ની, માં, સાસુ, આ બધાયે આ બધુ સહન કર્યું પોતાનું અંગ ગુમાવ્યું. કેટલીયે શારીરિક અને માનસિક બીમારીનો ભોગ બની એનો અંદાજો પણ કોઈ પુરુષ ના લગાવી શકે. હવે પછીની એક પણ દીકરી, બહેન સાથે આવું ના થાય તે જોવાની જ્વાબદારી મારી, તમારી, આપણી બધાની છે. જે તે સમયે જે કારણથી જે તે પરંપરા શરૂ થઈ હતી તેને જેમના તેમ વળગી રહેવાનું? આધુનિક અને વૈજ્ઞાનિક જમાનામાં પણ જે આવશ્યક નથી તેવા રીત-રીવાજો માત્ર ધર્મગુરુની ખુશી માટે જાળવી રાખવાના, તમારી જાતને પૂછો, તમારો અંતરાત્મા શુ કહે છે, તેનો આવાજ સાંભળો.